ગુરુપૂર્ણિમા ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ સુદ પૂનમના દિવસે આવે છે. ગુરુપુર્ણિમા પ્રસિદ્ધ ભારતીય પર્વ છે, ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના મિલનનો દિવસ. ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર. હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ગુરુપૂર્ણિમા ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા દર વર્ષે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં આવે છે, આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે.
આપણા બધાના જીવનમાં ગુરૂનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું હોય છે, આ દિવસે લોકો એમની શ્રદ્ધાથી પૂજા કરે છે, આ દિવસે ગુરુની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. ગુરુપૂર્ણિમાના દિવસે દૂર દૂરથી લોકો પોતાના ગુરુને મળવા જાય છે અને ગુરુને નમન કરીને આશિર્વાદ મેળવે છે.
મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે.શાસ્ત્રોમાં ગૃ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર આ મુજબ ગુરુનો અર્થ અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર એવો થાય છે.
આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતા હોય છે ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે. ગુરુ એ દિવ્યજ્યોત છે જે આપણા માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શક ની ભૂમિકા ભજવે છે.
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
શ્લોક માં ગુરુ ને નમસ્કાર કરવામાં આવ્યા છે ગુરુ શિષ્ય ના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણિમા.આ પર્વને નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિથી ઊજવીએ અને ધન્ય ધન્ય બનીએ.